ગેલાર્ડિયાની ખેતી કઈ રીતે કરવી? બહુ ઓછી માવજતથી સારી રીતે પાક લઇ શકાય
ગેલાર્ડિયા દરેક પ્રકારના વાતાવરણ અને જમીનને અનુકળ સરળતાથી ઉગાડી શકાય તેવા સુંદર, સર્વકાલીન અને સુલભ વર્ષાયુ ફૂલ છોડ છે. ગેલાર્ડિયાને અંગ્રેજીમાં બ્લેન્કેટ ફ્લાવર અને ગુજરાતીમાં ગાદલીયા તરીકે ઓળખવામાં આવે છે. એ કંપોઝિટી કુળનો મધ્ય ઉંચાઈનો, બારેમાસ સહેલાઈથી વાવી શકાય તેવો છોડ છે. ગાદલીયામાં ઘણી પ્રજાતિઓ છે. પરંતુ આપણે સામાન્ય રીતે વર્ષાયુ થતા છોડની જ ખેતી કરીએ છીએ. વર્ષાયુ છોડમાં એક પાંદડીવાળા ફૂલ અને ડબ્બલ પાંદડીની ગોઠવણવાળા ફૂલો જોવા મળે છે. ડબ્બલ ફૂલોમાં પીળો, લાલ-પીળો રંગ વધારે જોવા મળે છે. બહુ ઓછી માવજતથી ગાદલીયાનો પાક લઈ શકાય છે.
ઉપયોગ
બગીચામાં ક્યારાઓમાં અને બોર્ડર તરીકે મોટા પાયા ઉપર વાવવામાં આવે છે. છૂંટા ફૂલ તરીકે, સુશોભન માટે હાર, વેણી બનાવવામાં તથા પૂજા પાઠમાં તેમજ ફૂલોની સેરોનો ઉપયોગ મંડપ અને સ્ટેજ શણગારવામાં ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. જે જમીનનું પાણીથી ધોવાણ થવાની શક્યતા હોય ત્યાં ગેલાર્ડિયા પલચેલા જે જમીન ઉપર પથરાતી જાત છે, તેની રોપણી કરવાથી જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય છે.
જમીન અને આબોહવા
દરેક પ્રકારની જમીનમાં વાવેતર કરી શકાય છે. ખારી જમીન હોય કે ખારૂ પાણી હોય તો પણ આ પાક લઈ શકાય છે. રેતાળ જમીનમાં પણ આ પાક લઈ શકાય. ભારે કાળી, ચીકણી અને ઓછી નિતારશક્તિવાળી જમીન અનુકૂળ આવતી નથી. સારી નિતારશક્તિવાળી ફળદ્રુપ જમીન પસંદ કરવી જોઈએ. દરેક ઋતુમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. સામાન્ય રીતે ગરમ ભેજવાળુ વાતાવરણ વધારે અનુકૂળ આવે છે. ઉનાળા અને ચોમાસા દરમિયાન સરળતાથી ઉગાડી શકાય છે.
ખાતર-
જમીન હેક્ટર દીઠ ૧૫થી ૨૦ ટન કોહવાયેલું છાણિયું ખાતર કમ્પોસ્ટ ખાતર ભેળવી તેમજ હેક્ટર દીઠ ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૫૦ કિ.ગ્રા. ફોસ્ફરસ તથા જરૂર જણાય તો ૫૦ કિ.ગ્રા. પોટાશ તત્વોવાળા ખાતરો આપવો જોઈએ. નાઈટ્રોજનયુક્ત ખાતર બે હપ્તામાં ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન જમીન તૈયાર કરતી વખતે તેમજ બાકીનો ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન રોપણી બાદ ૪૫ દિવસે જ્યારે ફોસ્ફરસ તથા પોટાશ યુક્ત ખાતરો પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરતી વખતે આપવાની ભલામણ છે.
વર્ધન
વર્ષાયુ ગેલાર્ડિયાની જાતોનું પ્રસર્જન બીજથી કરવામાં આવે છે.જ્યારે કાયમી જાતોનું પ્રસર્જન બીજ તથા કટકાથી કરી શકાય છે. બીજનાં સારા ઉગાવા માટે ૬૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડની માવજત આપી શકાય. એક હેક્ટરના વાવેતર માટે ૩૦૦થી ૫૦૦ ગ્રામ બીજની જરૂર પડે છે. રોપણી કરતા પહેલા દોઢ માસે બીજને ધરૂવાડિયુ તૈયાર કરી ધરૂ ઉછેરવું. સામાન્ય રીતે મે અને નવેમ્બર માસમાં અનુક્રમે ખરીફ અને રવી ઋતુ માટેના પાક લેવા ધરૂ ઉછેરવું જોઈએ. બીજને છંટકાવ કરવા કરતા લાઈનમાં વાવવા, જેથી નીંદામણ કરવામાં અનુકૂળતા રહે. ધરૂવાડિયાને સવાર સાંજ ઝારાથી જમીનમાં ભેજ રહે તેમ પાણી પાવું જોઈએ.
રોપણી-
ખેતરને વ્યવસ્થિત ખેડ કરી, જમીન તૈયાર કરી, ક્યારાઓ બનાવી, ચારથી છ અઠવાડિયાની ઉંમરનું ગેલાર્ડિયાનું ધરૂ ૩૦ સે.મી./૩૦ સે.મી.ના અંતરે રોપવું. ઉનાળુ પાક માટે ફેબ્રુઆરી-માર્ચમાં, ચોમાસુ, પાક માટે જૂન-જુલાઈમાં અને શિયાળુ પાક માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં રોપણી કરીને ફૂલ મેળવી શકાય છે. ચોમાસામાં ભારે વરસાદને કારણે ફૂલોની ગુણવત્તા સારી શક્તિ રહેતી નથી.
પિયત-
ફેર રોપણી કર્યા પછી તુરત જ હળવું પિયત આવવું. ચોમાસામાં જરૂરિયાત મુજબ, ઉનાળામાં પાંચથી સાત દિવસના અંતરે અને શિયાળામાં આઠથી દશ દિવસના અંતરે આપવામાં આવે છે. ઉનાળામાં કુલ બારથી પંદર પિયતની અને શિયાળામાં આઠથી દશ પિયતની જરૂરિયાત રહે છે.
નીંદામણ-
ગાદલીયાનાં છોડ ખૂબ જ ઝડપથી જમીન પર ફેલાઈ જતા હોય, શરૂઆતમાં એકાદ બે નીંદામણ કરવા પડે છે. છોડના સારા વિકાસ માટે ત્રણથી ચાર વખત હળવો ગોડ કરવો જરૂરી છે.
ફૂલો ઉતારવા
રોપણી બાદ ત્રણથી સાડા ત્રણ માસ બાદ ફૂલ તૈયાર થાય છે. લગભગ ૧૫૦ દિવસ સુધી ફૂલોની વીણી મળતી હોય છે. કુલ ૨૦થી ૨૫ વીણી અંતરે દિવસે કરવી પડે છે. ફૂલોને દૂરનાં બજારમાં મોકલવાના હોય તો આગલા દિવસે સાંજનાં અને નજીકના બજારમાં મોકલવાના હોય તો વહેલી સવારે ઉતારવામાં આવે છે. ઉતારેલ ફૂલોને હળવું પાણી છાંટીને ટોપલામાં વ્યવસ્થિત રીતે ભરીને, ઉપર ભીનું કપડું ઢાંકીને બજારમાં મોકલવા. એક ખોખામાં પાંચ કિ.ગ્રા.થી વધારે ફૂલ ભરવા નહીં. ખોખામાં ફૂલો ભરતા પહેલા જો લીમડાના લીલા પાન નીચે નાખ્યા પછી ફૂલો ભરવામાં આવે અને ઉપર પણ લીમડાના પાન નાખી પેક કરવામાં આવે તો ફૂલોને લાંબા સમય સુધી સાચવી શકાય છે.
ઉત્પાદન
સારી માવજત કરેલ ખેતરમાંથી હેક્ટર દીઠ ૧૬થી ૧૮ ટન જેટલા ફૂલોનું ઉત્પાદન મળે છે. ચોમાસા કરતા શિયાળુ ઋતુમાં ઉત્પાદન તેમજ આવક વધુ મળે છે.
agro.sandesh@sandesh.com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો